વરસ પેહલા અંગ્રેજી અને હિન્દી માં લખેલી લઘુકથા. આશા છે તમને ગમશે.

વાત ૨૦૧૬ ની છે. હું ત્યારે બેન્ગલુરું માં નોકરી કરતો હતો. ગયા થોડા સમય થી દર જગ્યાએ હનુમાન દાદા ના દર્શન થઇ રહ્યા હતા. એવું લાગતું કે એ મને બોલાવે છે. મારા જીવન માં મેં ક્યારેય ભક્તિ તરફ વધારે ધ્યાન નથી આપ્યું. બેન્ગલુરું માં એ સમય એક કલાકાર ની હનુમાન જી ની કલ્પના બહુજ પ્રચલિત થઇ ગયી હતી. બધી જગ્યાએ એ જ દેખાતી હતી. કાળા રંગ ની પૃષ્ઠભુમી ઉપર સિંદુરી રંગ થી દોરેલી તેજસ્વી અને રુદ્ર સ્વરૂપ માં મારુતિ ની મુખમુદ્રા. આ છવી મારી આંખો ની સામે વારમ વાર આવી રહ્યી હતી.

માનવી આદિકાળ થી શક્તિ માં વિશ્વાસ રાખે છે. જે વસ્તુ ની સમજ ના પડી, તે પ્રભુ બની ગયી. જે વસ્તુ થી લાભ મળે, તે પણ પ્રભુ. તો ક્યારેક ગરજતા વાદળ શક્તિ નું સ્વરૂપ બની ગયા ને ક્યારેક વૃક્ષો થી મળતું ભરણ પોષણ પ્રભુત્વ નો સંકેત થઇ ગયો. આજે વિજ્ઞાન ઘણું ખરું સમજાવી શકે છે, પણ આસ્થા ઉપર તેનો કોઈ કાબુ નથી. તો જયારે મને દર જગ્યાએ બજરંગબલી ના દર્શન થવા લાગ્યા, મારી બુદ્ધિ એને વિજ્ઞાન દ્વારા સમજવામાં લાગી ગયી. અને બીજી બાજુ મારો ઉછેર એને અસ્થા નો તેડો સમજી બેઠો. સત્ય જે હોય તે, મેં હનુમાન જી ના મંદિરે જવાનુ નક્કી કર્યું.

દેવાલયો તરફ મારો મુખ ક્યારેજ ભૂલ થી વળ્યો છે. દર રોજ સવારે આકાશ તરફ જોવું, એજ મારો અંતર્યામી ને નમન. અને કદાચ એટલા માટેજ દેવાલય પણ મારાથી કુપિત રહે છે. ઘરે થી કામ ની જગ્યા વચ્ચે હનુમાનજી નુ એક નાનકડું મંદિર છે. સાંજે પાછા વળતા મેં ગાડી મંદિર થી થોડી દુર ઉભી રાખી. અને પ્રભુ ની ઓર ચાલવા લાગ્યો. સાંજ ના પાંચ એક વાગ્યા હતા. મંદિર સામે પહુંચીને જોયું તો મુખ્ય દ્વાર બંદ હતું. પાસે ગયો. થયું કે નાનું બારણું તો ખુલ્લું હશે, પણ એ પણ બંદ.

‘આટલા દિવસ થી બોલાવે છે અને જયારે આજે આવ્યો તો રિસાઈ ગયો?’ હું મન માં હંસતા હંસતા ઘેર પાછો પડ્યો.

કામ કરતા કરતા થોડી રાજા લેવાનું મન થઇ ગયું હતું. ઘરવાળી અને છોકરાઓ દર રોજ ફરવા જવાની વાતો કરતા હતા. કર્ણાટક માં એમ તો જોવા લાયક ઘણું છે, પણ અમે બંને એ હમ્પી જવાનું નક્કી કર્યું. વિજયનગર ના ખંડેરો માં એની ખોવાઈ ગયેલી ખ્યાતી જોવાની તીવ્ર ઈચ્છા હતી. તો જોષી પરિવાર ગાડી લઈને નીકળી પડ્યું. ચિરંજીવી ના દર્શન ની ઈચ્છા તો અધુરી રહી ગયી. વિચાર્યું, ‘ફરી ક્યારેક’.

હમ્પી પહુચીને કર્ણાટક પર્યટન ની હોટલ માં બધા રોકાઈ ગયા. કમરા માં કઈ દમ નહોતું. એવા દિવસોએ હતા જયારે પર્યટન વિભાગ ના હોટલ ઉત્તમ ગણાતા. હવે તો આ પણ પુરાતત્વ વિભાગ હેઠળ સંભાળવામાં આવતા અવશેષો જેવા થઇ ગયા હતા. જવા દો, જગ્યા ચોખ્ખી હતી અને જોવાના સ્થળો ના નજીક. બસ્તા અંદર મુકીને અમે ફરવા નીકળી ગયા. સાંજે જયારે પાછા આવ્યા તો કમર માં એક પર્ચું મળ્યું. હમ્પી અને નજીકના સ્થળો ની માહિતી આપતું.

વાંચતા વાંચતા મારી નજર એના એક ખૂણે પડી. અને સ્થિર થઇ ગયી. થોડી મોટી પણ થઇ ગયી આશ્ચર્ય થી. હમ્પી ના ઘણા સ્થળો રામાયણ થી સંબંધિત છે. સુગ્રીવ ની ગુફા છે. જ્યાં પ્રભુ રામે સુગ્રીવ નો રાજ્ય અભિષેક કર્યો તે મંદિર પણ છે. પણ મારી આખો મોટી આના લીધે નહોતી થઇ. એ તો અન્જનેયા પર્વત ના શબ્દો પર સ્થિર થઇ ગયેલી હતી. હમ્પી થી પોણા કલ્લાક ની દુરી ઉપર હતું “અન્જનેયા” ડુંગર જે હનુમાન જી નો જન્મસ્થળ મનાય છે. તમને બતાવી દઉં કે હનુમાનજી ને અંજની પુત્ર ના નામ થી પણ ઓળખાય છે. મારા માટે અત્યાર સુધી હમ્પી વિજયનગર સામ્રાજ્ય નું પ્રતિક હતું, હવે કીશ્ગીન્ધા બની ગયું. ખુશી થી મેં પત્ની ને બતાવ્યું, તે પણ વિસ્મિત થઇ ગયી. બીજા કાર્યક્રમ બાજુ મુકીને અમે આવતી સવારે જ ત્યાં જવાનું નક્કી કર્યું.

સવારની પેહલી પોર માં અમે ઉપડ્યા. હમ્પી તુંગભદ્રા નદી ના દક્ષિણ માં અને ડુંગર ઉત્તર માં. ગાડી જવા લાયક પુલ ૧૫ કી.મી., ઠેકાણે પહુંચવા માટે ૩૫ કી.મી. અને નાવ થી નદી પાર કરીએ તો ખાલી ૨ કી.મી. શું વાત! કર્ણાટક માં હઝારો ડુંગર છે અને લગભગ બધા ની ટોચે મંદિર. મોટી મોટી શીલાઓ થી બનેલા આ ડુંગર બહુ રમણીય છે. એક દુરી થી જો અન્જનેયા પર્વત ને જુવો તો એવું અભાસ થશે કે કોઈ દૈવીય શક્તિ એ એક મોટ્ટી શિલાખંડ ને ધરતી ઉપર રાખીને કોક બહુ મોટી તલવાર વડે એના જિસ્મ ઉપર ઘણા ઘા ઝીંક્યા હોય. ઘા માં સમય ની સાથે સાથે વૃક્ષ અને પાંદડાઓ એ એમનું ઘર વસાવી લીધું. બદામી રંગ ના પથ્થર માં લીલી લીટીઓ.

અમે લોકો ૭ વાગે ડુંગર ના તળે પહુંચ્યા. મેં મોઢું ઉપર કર્યું અને કહ્યું,

‘દરરોજ તને આકાશ માં શોધું છું, આજે તને મળવા ત્યાંજ આવી રહ્યો છું.’

ક્યારેક કોક નાની ટબુડીના હાથ માં સ્લેટ અને ચોક આપ્યા છે? જે રીતે એ પેલી સ્લેટ પર આડી ઓડી લીટીઓ દોરે, પર્વત અને એમાં બનાવેલી ચુના માં રંગેલી દાદરો એવુંજ દૃશ્ય બતાવી રહ્યી હતી. અદ્ભુત. દાદર ડુંગર ની ટોચે હનુમાન જી ના મદિર સુધી જતી હતી. અમે ચઢવા લાગ્યા, વચ્ચે વચ્ચે ફોટા પડતા રહ્યા. ખબર ના પડી કે ક્યારે ઉપર પહુંચી ગયા. અંતિમ દાદર પાસે લોકોએ બુટ ચંપલ કાઢીને મુક્યા હતા. હું પણ બેસી ગયો બુટ કાઢવા. બીજું મોજું કાઢયું જ હતું કે આરતી શરુ થયી. પત્ની ખડખડાટ હંસી પડ્યા અને કહ્યું, ‘લ્યો, તમારી જ રાહ જોતા હતા.’ અમે દર્શન કર્યા અને હવે મારા મન ને થોડી શાંતિ મળી. ઘણા દિવસો થી સંકેત મળી રહ્યા હતા, હવે કદાચ સંતોષ મળે. પછી અમે લોકો ઉપરજ ફરવા લાગ્યા.

આવું વિસ્મયકારી દૃશ્ય તો મુંબઈ ની સમંદર કિનારે વાળી બહુ-મંજિલા ઈમારતો ના ધાબા પર થી પણ નહિ મળે. ડુંગર ઉપર થી સમતલ હતો. થોડાક વૃક્ષો હતા. અને એક બાજુ નાનકડું સફેદ મંદિર. ચારે બાજુ લાલ અને લીલા રંગ માં રંગાયેલી ધરા. ઉપર વાદળી અંબર. મેં નીચે જોયું. જો દાદર ના હોત તો આ ડુંગર પર ચઢવું મારા જેવા ખુર્શી પેહલવાન માટે અસંભવ નીવડ્યું હોત. આકાર જ કંઇક એવું હતું. સીધી પત્થર ની દીવાલ. કોઈ ઢોળાણ નહિ. જોતા જોતા મે તાનાજી માલુસુરે, યશવંતી ગોહ, અને સિંહગઢ યાદ આવી ગયા.

થોડીક વાર પ્રકૃતિ સાથે વિતાવી અમે નીચે જવાનું નક્કી કર્યું. ફરી બુટ પેહરી લીધા. ત્યાં નજીકમાં પથ્થર ની સપાટી ઉપર બે વાનર રમી રહ્યા હતા. શું? મેં તમને નથી બતાવ્યું? ભાઈ, આ અન્જનેયા પર્વત છે. હનુમાનજી નું જન્મસ્થળ. પ્રભુ રામ ની વાનર સેના ના પ્રમુખ. વાનર તો હોયજ ને. હજારો ની સંખ્યા માં.

ફરી ચાલીએ બે નાનકડા ધમાલ ખોરો ની તરફ. એમનું ક્રીડાંગણ સપાટ હતું. પણ એ એના વચ્ચે નહિ, ખૂણા માં ધાર ઉપર રમતા હતા. ‘દીકરા, આજે પાણી માં નાં રમતો.’ ક્યારેક કહ્યું છે તમારા બાળ કૃષ્ણ ને? ભોળપણ થી ભરેલા મોં અને ચંચલ સ્મિત સાથે જવાબ આપશે, ‘સારું પપ્પા.’. પણ જેવા તમારા પગ ઘર ની બહાર નીકળ્યા, એના પગ પાણી માં પડશે.આ બંને પણ એવુંજ કરી રહ્યા હતા. વાનર માતા થોડી દુર બેથી હતી અને બાપા ભોય ભેગા થઈને શવાસન કરી રહ્યા હતા. ના, ના. હું પુરુષ જાતી ઉપર ટીપ્પણી નથી કરતો, આ તો ખાલી. પણ તમેજ બતાવો, દર ઘર માં એક એવું સોફા નથી કે જેના ઉપર પુરુષ જાતી ના લોકો કેઢ ટેકો કરતા કરતા અખ્ખા ધરાશાહી થઇ જાય છે?

રમત માં ગુમ ટેણીયાઓ એમની આજુ બાજુ થી અનભિજ્ઞ હતા. એ ચટ્ટાન ની ધાર ઉપર રમી રહ્યા હતા. પગ લપસ્યો તો ઠેઠ નીચે. અને નીચે પણ ધરા નો કોમલ આંચલ નહિ પણ પથ્થર. ઊંડાણ કેટલું એ ખબર નહોતી. ડાળીઓ અને વૃક્ષો ના લીધે તળિયું દેખાતું નહોતું. હું પત્ની ને મારા વિચારો બતાવાનો જ હતો કે એક ટેણીયાએ બીજા ને રમત રમત માં ધક્કો માર્યો. અમે બંને ખેંચાઈ ગયા. પત્ની એ મારો અને છોકરાઓ નો હાથ પકડી લીધો. વાનર કુમાર લપસી ગયો. એના નાના નાના હાથો એ પથ્થર પર પકડ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ બધું બાતલ. પથ્થર લીસ્સું હતું. એક પલ માં કુમાર આંખો આગળ થી અદ્રશ્ય થઇ ગયો.

ધક્કો આપનાર કુમાર ઘબરાઈ ગયો. બે કદમ પાછળ ગયો. ક્રોધ, ડર, અને શરમિન્દગી થી એનું મોઢું સુકાઈ ગયું. માં બધું જોતી હતી. તે ક્ષણ માં ઉભી થઇ અને બીવાયેલા એના લાડકા પાસે દોડી. અને ત્યાં પહુંચીને એને જે કર્યું, તે મને આજ સુધી ભુલાતું નથી. માં એ દીકરાને હૈયે માંડ્યો. દુર ઉભા અમને માં ની આંખો તો નહોતી દેખાતી, પણ એની પ્રતિક્રિયા જોર જોર થી બોલી રહ્યી હતી. એક બાજુ એનું હૈયું પડી ગયેલા દીકરા માટે રડતું હતું અને બીજી બાજુ એની મમતા ધક્કો મારનાર દીકરા ને હૈયે માંડી રહ્યી હતી. મેં આજ સુધી આવી કરુણ, હૃદય ને હચમચાવી નાંખનાર પ્રતિક્રિયા નથી જોઈ.

આ બધા ધમાલ વચ્ચે બાપા શાંતિ થી નહોતા બેઠા. એમની પ્રતિક્રિયા માં થી ધીમી હતી, પણ એ તરત ઉભા થયા અને ખીણ તરફ ગયા. થોડી વાર નીચે જોયું. મારી શ્વાશો અધ્ધર થઇ ગયી. પત્નીની હાલત પણ કંઇક એવીજ હતી. પણ ત્યારેજ અચાનક ડાળો હાલી. અને વચ્ચે થી એક વાનર ના ચીસો પડવાની અવાજ આવી. એ જોસ જોસ થી ડાળ હલાવી હલાવી ને ચીસો પડી રહ્યો હતો. વાનર કુમાર બચી ગયો. અમે બંને થોડા શાંત થયા. ટેણીયા એ પત્થર તો નહિ પણ ડાળ પકડીને પોતાની રક્ષા કરી હતી. અને હવે ભયંકર ક્રોધ માં એના ભાઈ ને ગાળો આપી રહ્યો હતો.

માં તો હજુ બીજા ને બાથ ભીડીને ઉભી હતી. પણ બાપા ફરી શવાસન માં જતા રહ્યા. અમે બધા પાછા નીકળ્યા. હમ્પી ની યાત્રા સરસ હતી પણ જે માનવતા નો સ્વરૂપ અમને ત્યાં જોવા મળ્યો તે મન માં અંકિત થઇ ગયું. એ વાત જુદી કે આ મમતા કે માનવતા અમને કોઈ મનાવે નહોતી શીખવાડી. આજે પણ છોકરાઓ રમતા રમતા વગાડી ને આવે છે તો મને એ દૃશ્ય યાદ આવે છે. એ બીવાયેલું વાનર, એની માં, અને પેલો ક્રોધિત ભાઈ. હું જયારે મારા એક છોકરા ને બીજા ને ઈજા પહુંચાડવા માટે વઢુ છુ તો ભૂલી જાઉં છુ કે એ રમતા હતા. ઈજા ભૂલ થી, જાણી જોઇને નહોતી થઇ. માનવી ને એની બુદ્ધિ ઉપર અહં છે, પણ હજુ બહુ શીખવાનું બાકી છે.

ચાલો, યાત્રા સંપન્ન થઇ. હવે હનુમાન દાદા નથી બોલાવતા, અમે બંને ફરી સવારે એક વાર જ મળીયે છીએ. ક્યારેક ક્યારેક એવું બની જાય જે ચમત્કાર જેવું લાગે. દાદા નું મને આમ એમના જન્મસ્થળે બોલાવવું ચમત્કાર હતું કે વાનર માતા નું એના દીકરા ને હૈયે લગાડવું એ ચમત્કાર, આ નિર્ણય હું તમારા ઉપર છોડું છુ. ઘટના વાસ્તવિક છે.

જય શ્રી રામ.

Leave a Reply