બપોરના તાપમાં છોકરાઓ સુવે છે. અને ત્યારે, મને સમય મળ્યો મુનશીજીની આ રચના ને અંત સુધી વાંચવાનો. છેલ્લા પાનાની છેલ્લી લીટી ઉપર આવીને આંખો અટકી ગઈ. સમજાતું નથી કે કઈ જાત ના ભાવ મનમાં ઉત્ભવે છે. ખબર નથી પડી રહ્યી કે શું અનુભવું – પ્રભાસના દીવા હોલવાઈ ગયા એનું દુખ, કે વીરોએ કરેલા પરાક્રમ નું ગર્વ, કે  ધર્મ ને લઈને થતા અર્થભેદ ઉપર કમકમાંરી, કે પછી ઈચ્છાઓ ની નશ્વરતા ઉપર હતાશા. જે હોય તે. આ નવલકથા માનવી ઈચ્છાઓ ની ક્ષણભંગુરતા દર્શાવે છે.

એક બાજુ છે સર્વજ્ઞ ગંગ અને એમનો શિષ્ય. બીજી બાજુ છે દેવદાસીઓ ગંગા અને ચૌલા. ત્રીજી બાજુ છે યવન નો ખૂંખાર હમ્મીર. અને ચોથી બાજુ ગૌબ્રાહ્મણ ના રક્ષક ને પ્રજા ના શાશક રજાઓ. અને આ ચારેય મણકાઓ ને વાર્તામાં પીરોનાર – સોમનાથ મહાદેવ. લેખકે આમુખમાં લખ્યું છે કે એમનો ઈરાદો સોમનાથ ઉપર કરેલા સુલતાન મહમૂદના આક્રમણનો ગુજરાતે કરેલો પ્રતિરોધ વર્ણવવાનો છે. પણ મુનશી જી આનાથી પણ ઘણું વધારે કરી રહ્યા છે.

એક બાજુ સર્વજ્ઞ ગંગ છે જે અભ્યાસ, સત્સંગ, અને પોતાની વિચારશક્તિ થી ધાર્મિક નિયમોની વિકાસશીલ વિવેચના કરે છે. અને બીજી બાજુ એમનો શિષ્ય શિવરાશિ લકીર નો ફકીર બની ને રહી જાય છે. બનાવેલા કરમકાંડ બદલવા કેટલા મુશ્કેલ છે એ ગંગ સર્વજ્ઞ ની અવસ્થા થી જાહેર થાય છે. પુસ્તકમાં દેવદાસી પ્રથા ઉપર વાત થાય છે. પા- ૧૧૯-૨૦ પર આ વાત સમજી શકાય છે.

અનેક વર્ષોના તપથી એમની દૃષ્ટિ વિશુદ્ધ થઇ ગઈ હતી. —- વિધિઓમાં અધમતા અને અત્યાચારનો અંશ હતો. ઘણા વર્ષો થયા એમને વિધિઓને વિશુદ્ધ કરવાના પ્રયત્ન આદર્યા હતા. … પણ જ્યાં સુધી વિધિઓમાં નિષ્ણાત જુના પૂજકો હતા, અને એ વિધિઓમાં શ્રદ્ધા રાખનાર ભાવિકો હતા, ત્યાં સુધી એને એ બંધ નહોતા કરી શક્યા.

જયારે યવનીઓ ચઢી આવે છે, ત્યારે પણ આ પ્રલય ના કારણ ને લઈને ગુરુ-શિષ્ય વચ્ચે મતભેદ થાય છે. એક બાજુ ગુરુનું માનવું છે કે આવી ખોટી અને અધમ પ્રથાઓ ના લીધે મહાદેવ અમને સજા કરી રહ્યા છે, તો બીજી બાજુ શિવરાશિ માને છે કે પ્રથા ને રોકવાનાં કારણસર આ પ્રલય આવી રહ્યું છે.

આજની આપણી દશા આવી જ કંઇક છે. બધાં ધર્મોમાં. વિવાદ અર્થભેદના લીધે ઉત્પન્ન થાય છે. એના લીધે, આપણે રૂઢીવાદમાં ફસાઈ જઈએ છીએ. અને સામાન્ય માનવીને સમય નથી કે ધર્મ અને ગ્રંથો નું અધ્યયન કરે. એ નથી તો ઠીક, પણ વિવેક પણ નથી, કે બીજા ઉપર ટીપ્પણી ના કરે.

સોમનાથ મહાદેવ ઉપર કેટલીયે વખત હુમલા થયા, હઝારો વર્ષો થી થયા. પણ જ્યાં સુધી પરાક્રમી લોકો છે, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. ઘોઘારાણા હોય કે પછી એમની સંતાનો, બાણાવળી ભીમદેવ હોય કે પછી પરમાર, જ્યાં સુધી રાષ્ટ્રમાં પરાક્રમ રહેશે, ત્યાં સુધી બધા પ્રલય હારીને પાછા જશે. અને ખાલી પરાક્રમ નહિ, પણ યુદ્ધ કૌશલ અને એકતા પણ જોઈએ. જ્યાં સુધી રજપૂતો એકલે હાથે લડતા રહ્યા, ત્યાં સુધી પરાજિત થયા. નાનપણમાં ‘લાકડી નો ભારો’ વાંચી હશે. એવુંજ કંઇક. રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધનું વિસ્તૃત વર્ણન કરાયું છે, પણ ગુજરાતી ભાષામાં લખેલી નવલકથાઓમાં મેં પેહલી વાર યુદ્ધ વિષે વાંચ્યું. વ્યૂહરચના, કોટની દીવાલ તોડવાના પ્રયત્નો, ને આવું બધું. ગુજરાતી ભાષામાં આ બધું વાંચતી વખતે હું ૫-૬ વરસના બાળક જેવું અજાયબ અનુભવું છું. કેટલા વર્ષ દુર રહ્યો હું માતૃભાષા થી!

છેલ્લે આવીએ આપણે ચૌલા તરફ. એનું ચિત્રાંકન વાંચીને બે પાત્રો યાદ આવ્યા : એક તો મુનીશીજીની ‘મંજરી’ અને બીજા ‘મીરાબેન’. ચૌલા ભક્તિરસમાં રંગાઈ એ દેવદાસી. જેમ મીરાબાઈ કૃષ્ણને મન થી પરણી ગયા હતા, તેમજ ચૌલા સોમનાથ ની ભક્તિઘેલી હતી. મંજરીએ તો કાક ને પરેમશ્વરનું સ્થાન આપ્યું, પણ ચૌલા થી એવું ના થયું. લેખકે શું વિચારીને ભીમદેવ ને ચૌલા નું મેલ કરી આપ્યું, એ હજુ સમજાતું નથી. કદાચિત સર્વજ્ઞ ના કથન થી કે ભીમદેવ રુદ્ર નો અવતાર છે, આવું બન્યું હશે. પણ છેલ્લે તો બેચારા ભીમદેવ પર તરસ આવ્યું.

ગંગા પણ સર્વજ્ઞ ની ભગત હતી, ને છેલ્લે સુધી રહી. એને દેવદાસીઓની પરિસ્થિતિ નું ભાન હતું અને તેની દીકરી ચૌલા માટે તે એવું જીવન નહોતી ઈચ્છતી. એની ઈચ્છા પૂર્ણ થઇ, પણ એને ધાર્યું નહિ હોય એ રીતે. અંગ્રેજીમાં કેહવત છે “Man proposes, God disposes”. ભાગ્યમાં જે લખેલું હશે, તે થશે.

લેખક નો ઈરાદો મહમૂદ વિષે વાત કરવાનો નહોતો, તો હું પણ નહિ કરું. અંતે શું લખું? આ કથા સમય અને પરિવર્તન ની છે. જેમ યુગ બદલાય, તેમ આક્રમણ નો એકીસાથે સામનો કરવાથી ઘણું બદલાઈ ગયું. મહાદેવનું નિર્માણ ફરી થયું. સોમનાથ ફરી પ્રભાસપાટણ થયું. સામંત ચૌહાણ અને ચૌલા માટે બધું બદલાઈ ગયું.

પ્રભાસ તરફ પગલા માંડતા ચૌલાને કંઈ ઉત્સાહ જેવું આવ્યું, પણ તે ઝાઝો ટક્યો નહિ. ત્યાં પહુંચતા એણે ઉંચો, મોટો, નવો કોટ ચણાતો જોયો; નવા રસ્તાઓ ને નવા કુંવા થતા જોયા. થોડી વસ્તીવાળા ચૌટાંઓ જોયાં, નવા ઘાટનાં, નવા પ્રકારનાં, અડધાં બંધાતાં શિખરોવાળાં મંદિરો જોયાં; રાજમહાલય જેવો ગગનરાશિનો મઠ જોયો; પાટણના રાજમહેલની આછી અનુકૃતિ હોય એવો મહારાજનો પ્રસાદ જોયો.

…. આ તો નવી ને સુંદર સૃષ્ટિ હતી – અપરિચિત – કોઈ વિશ્વકર્માએ ઘડવા માંડેલી; એના ભગવાનનું એ ધામ નહોતું.

કદાચિત આ વાર્તા કાળના ચક્ર ની છે. જુનું જાય, ને નવું આવે. ઘણા લોકો સહજતા થી સ્વીકારે, ને ઘણા જૂનાને પકડીને બેઠા રહે. શું ખબર? તમને શું લાગે છે?

જાય સોમનાથ!

જતા-જતા: અંગ્રેજી નવલકથાઓમાં પ્રણયક્રીડાઓ વાંચવું સ્વાભાવિક થઇ ગયું છે, પણ એક સદી પેહલા રચેલી આ પુસ્તકમાં આવી શ્રુંગારસજ્જ ભાષા લખતા લેખકનો હાથ ક્યારેય અચકાયો નહિ હોય એવું અભાસ થયું. ગમ્યું.

One Thought on “જય સોમનાથ – ભોળે કરે તે સાચું”

  • બહુજ સુંદર રીતે લખાયેલો આ લેખ છે. સ્વર્ગસ્થ શ્રી કનૈયાલાલ મુન્શી ને પણ નહી ખબર હોય કે આટલા બધા વર્ષો પછી કોઇ તેમની રચાનાને આટલા ઉંડાણ થી વાંચાશે અને વર્ણવશે. આ લેખમાં ભાષા અને વ્યાકરણની પણ માવજત કરવામાં આવી છે. તેના શુધ્ધિકરણનું વિશેષ ધ્યાન રાખાયું છે. આ ઉભરતા ગુજરતી લેખકને અભિનંદન. તેમના દરેક લેખો એક ગ્રંથ બની રહે તેવી શુભેચ્છા.

Leave a Reply