મારા છેલ્લા બે લેખ વાંચીને ઘણા લોકોએ અભિનંદન આપ્યા. લેખ ના વિષય ઉપર ચર્ચા પણ કરી. પણ થોડા લોકોને લેખ માં ખાલી મારા ગુજરાતી વ્યાકરણ ની ખામિઓ દેખાઈ. તો આજનું લેખ એ બધા સંપાદકો ને સમર્પિત કરું છુ. કેમ? કારણ કે આ વિષય ઉપર ચર્ચા જરૂરી છે. માનવી સ્વભાવ ત્રણ જાત ના હોય: સંપાદક, લેખક, અને મિશ્ર. સંપાદક અને લેખક એ ભાષારૂપી દોર ના બે છેડા છે અને મિશ્ર ક્યાંક વચ્ચે આવતી ગાંઠ. લેખન માટે કલ્પના અને સંવેદના આ બે વસ્તુઓ ની જરૂર પડે. બીજી બાજુ સંપાદન માટે ભૂલ કાઢવાની અને સુધારવાની વૃત્તિ જોઈએ. ધીમે ધીમે અનુભવો ના દરિયા માં ગોતા ખાઈને લેખક મિશ્ર બની જાય. પણ ક્યારેય પૂર્ણતઃ બીજી બાજુ સંપાદક ની જગ્યાએ ના પહુંચે. કારણ કે એને ખબર છે કે પેલી બાજુ કલ્પના અને સંવેદના બંને નું અભાવ છે. અને આ બે જો ના હોય, તો શું લેખ ને શું લેખક.

મારા ૩૮ વર્ષ ના જીવનકાળ માં મેં ગુજરાતી માં બે જ લેખ લખ્યા છે. અને આ છે ત્રીજું. ગયા એક માસ થી ગુજરાતી સાહિત્ય થી જોડાયેલો છુ. ત્રણ અભિપ્રાય જાણવા મળ્યા. પેહલું, એક લેખ જે દિવ્ય ભાસ્કર માં પ્રકાશિત થયું. હવે સરકારે ગુજરાતી ને ૮માં ધોરણ સુધી અનિવાર્ય કર્યો છે. લેખક એ એજ વિષય ઉપર કટાક્ષ કર્યો છે કે આજકાલ શુદ્ધ ગુજરાતી કોઈને ક્યાં આવડે છે? બીજું, ગુજરાતી સાહિત્ય ના મંડળ ની બેઠક માં મળ્યું. અમે બધા, ગુજરાતી આજની પેઢી માટે આકર્ષક બને એ વિશે ચર્ચા કરતા હતા. તો એક કાકા બોલ્યા, ‘શુદ્ધતા વિના ભાષા નું કોઈ મૂલ્ય નથી.’ અને ત્રીજું, બેન નો પત્ર આવ્યો. લખ્યું હતું કે માતૃભાષા નું ખૂન થતા જોવાયું નહિ એટલે મારા લેખોમાં સુધારા કરીને મોકલે છે. ઘણું આભાર. આટલા બધા સુધારા હતા કે મેં લેખ જેવા હતા એવા રહેવા દીધા છે. આ બધી વાતો ઉપર ચર્ચા તો થવી જ જોઈએ.

આટલા અભિપ્રાય મળ્યા તો જવાબ પણ આપવો પડે ને. શોલે પિક્ચર નું ગબ્બર નું ડાયલોગ યાદ આવી ગયું. ઇસકા જવાબ મિલેગા. બરાબર મિલેગા.

બેન નું પત્ર વાંચીને થોડીક વાર ક્રોધ નો અનુભવ થયો. કારણ કે પત્ર એક સંપાદકે લખ્યું હતું, એક લેખક કે મોટી બેને નહિ. એમાં સંવેદના નું અંશ નહોતું, ખાલી સંપાદન નું અંશ હતું. લેખ માં અઢળક ત્રુટિઓ છે. આમાં પણ હશે. ‘ગઈ’ ની જગ્યાએ ‘ગયી’ લખાઈ જવાય. સમજ ની જગ્યાએ સમઝ. હિન્દી ભાષા માં વપરાય એ રીતે લીંગ વપરાયા હશે. બધું કુબૂલ. પણ ‘બાપા’ ની જગ્યાએ ‘પિતાશ્રી’ ના વપરાય બેન. ‘બાપા’ શબ્દ માં જે લાગણી ને જે પ્રેમ ને જે આદર છે એ તો ક્યારેય ‘પિતાશ્રી’ માં નહિ આવે. ‘અને’ ની જગ્યાએ ‘ને’ વપરાય. દર વાક્ય ને પૂર્ણતા આપવાની જરૂર નથી. અંતે ‘છે’ લગાડવાની પણ નહિ. ભાષા માં એક પ્રવાહ હોય, એક વેગ હોય, એક નર્તકી ની ચપળતા હોય, એક લેખક ની કલ્પના હોય, એક સમાજ નો દર્પણ હોય; અને તે ઉપરાંત, વ્યાકરણ હોય.

“જો ભાષા દેહ છે, તો ભાવ આત્મા છે. આત્મા નું કોઈ રૂપ નથી, તેમ ભાવ નું પણ કોઈ રૂપ નથી. દેહ દ્વારા જેમ આત્મા ની અભિવ્યક્તિ થાય છે તેમ ભાષા દ્વારા ભાવ ની અભિવ્યક્તિ થાય છે. દેહમાંથી આત્મા નીકળી ગયા પછી દેહની કિંમત કેટલી?

ભાવ સાથે તાલ ન મિલાવતી ભાષાની પણ કિંમત કેટલી?”

– વ્રજલાલ ઉપાધ્યાય

વાત આવતી પેઢી ને ગુજરાતી માં રસ પડે તેની છે. હું તો અંગ્રેજી માધ્યમ માં ભણેલો છુ. ગુજરાતી ઘર માં પણ વપરાતી નથી. યાદ કરી જુઓ જો તમે ક્યારેય મારી જોડે ગુજરાતી માં વાત કરી હોય તો. ગુજરાતી જવા દો, હિન્દી માં પણ કરી હોય તો યાદ કરી જુઓ. બા-દાદાએ ઉનાળા ની વેકેશન માં માતૃભાષા શીખવાડી છે. મારી ગુજરાતી, એ વાંચેલી કે સ્કૂલ માં ભણેલી ગુજરાતી નથી. મારી ગુજરાતી ‘સાંભળેલી’ ગુજરાતી છે. લખવામાં ‘રહેવાય’ લખીએ પણ બોલવામાં ‘રેહ્વાય’ નું ઉચ્ચારણ છે. ગઈ અને ગયી માં તફાવત સંભળાતું નથી. આપણે અને આપળે માં પણ નહિ. એટલે ભૂલ થાય. સ્વાભાવિક છે.

મારો આ ગુજરાતી ભાષા માં ત્રીજો લેખ છે. અને સ્કૂલ ના ધોરણે જોઈએ તો મેં તો ગુજરાતી નો કક્કો પણ નથી વાંચ્યો. એટલે હું હજુ પેહલા ધોરણ માં છુ. અંગ્રેજી માં ભણ્યો. વિચાર પણ અંગ્રેજી માં આવે છે. ભલભલા અંગ્રેજો ને પણ શિખવાડી શકું એવી અંગ્રેજી આવડે છે. પણ ગુજરાતી હજુ નવી છે મારા માટે. બે ત્રણ વરસ આપો. અને પત્ર ની જગ્યાએ કોક સારી વ્યાકરણ ની પુસ્તક. ને પછી જોઈશું. 😊 હું તો ૩૮ નો થયો, તો પણ તમારા પત્ર વાંચીને ખોટું લાગ્યું. કારણ કે તમે લેખ નું સાર ભૂલી ગયા અને ટીકા ટીપ્પણી ખાલી વ્યાકરણ ઉપર કરી. જો હું ૬ કે ૭ વરસ નો બાળક હોત, તો લખવાનું છોડી દીધું હોત આવી ટીકા વાંચીને.

મારા જેવા આજકાલ ના કેટલાય છોકરાઓ હશે. જો એમનામા માતૃભાષા નું મોહ જાગૃત કરવાની ઈચ્છા હોય તો ટીકા ઓછી ને પ્રોત્સાહન વધારે આપો. બદલાય એનું નામ ભાષા. સમજાય એનું નામ ભાષા. વપરાય એનું નામ ભાષા. ને ઓળખાય એનું નામ ભાષા. અને આ બધીએ ભાષા ઠીક. સંપાદન ની દૃષ્ટિએ નહિ, પણ સંવેદનાની દૃષ્ટિએ જુઓ. એની જરૂર છે માતૃભાષાના પ્રચાર માટે. અંગ્રેજી ના પ્રભાવ માં એવા તે પડ્યા આપણે લોકો, કે માતૃભાષા ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નહિ. અને હવે અભ્યાસીઓ ને ‘માતૃભાષા નું ખૂન’ એવા અભિપ્રાય આપીએ છીએ?

મારા અંદર ના લેખક નો રોષ ઉપર ના શબ્દોમાં બેકાબુ આવેશ થઈને પ્રગટ્યો છે. પણ એની જરૂર છે. અંગ્રેજી માં વ્યાકરણ ને ઉચ્ચતમ માનતા લોકો ને “ગ્રામર નાઝી” કહેવાય છે. એવું નથી કે નિયમો ને ભૂલી જાઓ. સંપાદનનું એ અંશ છે મારામાં. વ્યાકરણ અને વાક્ય બંધારણ ભાષા નું અભિન્ન અંગ છે, એ હું માનું છુ અને જાણું છુ.

यद्यपि बहुनाधिशे, पठ पुत्र! व्याकरणम्।

स्वजनः श्वजनो मा भूत्, सकलं शकलं स्कृच्छकृत्।।

હે પુત્ર, તારે બહુ ના ભણવું હોય તો ભલે, પણ તું વ્યાકરણ તો ભણ: જેથી “સ્વજન” (સગાંવહાલાં) “શ્વજન” (કુતરું) ન થાય, “સકલ” (બધું) “શકલ” (ટુકડો) ન થાય અને “સકૃત્” (એક વાર) “શકૃત્” (છાણ) ન થાય.

પણ તે ધીમે ધીમે આવે. ત્યારે આવે જયારે આપણે ગુજરાતી ભાષા વાંચીએ. અને ઘરો માં બોલીએ. અને સ્કૂલો માં શીખીએ. પણ પેહલા તો બધા ને લેખક થવા દો. એમની કલ્પના ને પાંખો આવવા દો. શબ્દો ના સાગર માં તરવા દો. ને પછી, ધીમે ધીમે, વ્યાકરણ ની અમી એમની લેખન શૈલી માં પોતેજ પ્રસારિત થશે. અને તે રીતે થશે માતૃભાષા નું પ્રચાર.

ભાષા નું ખૂન મારા લેખ ની લાખો ત્રુટિઓ થી નહિ પણ અસંવેદનશીલ વાંચક ના એક કર્કશ અભિપ્રાય ના ઘા થી થાય. જે લેખ માં ભાષા અને ભાવ બંને ના હોય, એની મૃત્યુ તો નિશ્ચિત છે. જેમાં ખાલી ભાષા હશે ને ભાવ નહિ, એ પાઠ્ય પુસ્તક થવા યોગ્ય છે, સાહિત્ય નહિ. જેમાં ભાવ હશે ને ભાષા થોડી નવીન, તે બનશે સાહિત્ય. જેમાં બંનેના સાગર છલકાતા હશે, તે બનશે ગ્રંથ.

જય શ્રી કૃષ્ણ.

જતા જતા: પેહલા થી આઠમાં ધોરણ ની ગુજરાતી ની પાઠ્યપુસ્તકો ની રાહ જોઇશ. મોકલાવી આપજો. મને લખ્યું તે ઠીક, પણ કોઈ અભ્યાસી ને આવી ભાષા માં પ્રોત્સાહન ના આપતા. પેહલા ભાવ પછી ભાષા જોજો.

Leave a Reply